

વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા તા. 24 ફેબ્રુઆરી, 2025ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ત્રિપર્ણિકા: કવિતા, વાર્તા અને એકોક્તિ’ શીર્ષક હેઠળ લેખિકા-નાટ્યકાર યામિની વ્યાસે કાવ્યપઠન, વાર્તા તથા એકોક્તિની રજૂઆત અભિનય સાથે કરી હતી.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન સાથે ગુજરાતી વિભાગની આશરે 140 વિદ્યાર્થિનીઓની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત પહેલા વર્ષની વિદ્યાર્થિની આફરિને યામિની વ્યાસનો પરિચય આપીને કરી હતી. વિભાગનાં અધ્યાપિકા ડૉ. હીના કુરકુટિયાએ યામિની વ્યાસનું સ્વાગત કર્યું હતું. રામ મોરીની લઘુવાર્તા ‘એક આવડત’, ઉષા ઉપાધ્યાયની ટૂંકી વાર્તા ‘હું તો ચાલી’, નયના પટેલની ટૂંકીવાર્તા ‘દખલગીરી’ વગેરેને એકોક્તિ સ્વરૂપમાં અભિનિત કરીને યામિની વ્યાસે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ પોતાની સ્વરચિત કવિતાઓનું સ-રસ પઠન પણ કર્યું હતું. 21મી ફેબ્રુઆરીએ ઉજવાયેલા ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’નો સંદર્ભ આપી તેમણે વિદ્યાર્થિનીઓને ભાષાની વિવિધ છટાઓ, લય-લહેકા તથા સાહિત્યમાં રહેલા ઊંડાણને પોતાની આંગિક-વાચિક અભિવ્યક્તિ વડે સમજાવી આપી આપ્યાં હતાં. અંગ્રેજી વિભાગની અધ્યાપિકાઓએ પણ આ કાર્યક્રમ માણ્યો હતો. અંતે કાર્યક્રમની આભારવિધિ ગુજરાતી વિભાગનાં અધ્યાપિકા ડૉ. અમિતા પંચાલે કરી હતી.