વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલય અને ગુજરાતી સાહિત્ય પરિષદના સૌજન્યથી “માતૃભાષા ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ગઝલકાર ડૉ. રઈશ મનીઆર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાહિત્યિક શૈલીમાં વ્યક્તિના જીવનમાં માતૃભાષાનુ શું મહત્વ છે તે ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું. ડૉ. મનીઆરે ભારપૂર્વક જણાવ્યું કે બાળકને પોતાની માતૃભાષા લખતા – વાંચતા અને બોલતાં આવડવી જ જોઈએ.
કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકરે સ્વાગત પ્રવચનમાં ડૉ. રઈશ મનીઆરનો ટુંકો સુંદર પરિચય આપ્યો હતો. ડૉ. ઠાકરે આજના દિને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમો વિશે શ્રોતાઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પ્રિયંકા પટેલે કર્યું હતું.