વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટીના મધ્યસ્થ ગ્રંથાલય તેમજ માઈક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજીની લેબોરેટરીનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સીટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટીના નવનિર્મિત મધ્યસ્થ ગ્રંથાલય તેમજ માઈક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજીની લેબોરેટરીનું ઉદ્ઘાટન વનિતા વિશ્રામ, સુરતના આદરણીય ચેરમેન શ્રી ક્રિપલાની ટી. દેસાઈ અને વાઈસ ચેરમેન શ્રી પ્રવીણ ટી. વોરાના હસ્તે તા. ૦૪-૦૯-૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.
આ નવનિર્મિત ગ્રંથાલય ૮૦૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ ભવનમાં પથરાયેલું છે અને ૨૨૦૦૦થી વધુ પુસ્તકો ધરાવે છે. જયારે માઈક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજીની લેબોરેટરીઓ અદ્યતન સાધનો અને સંપૂર્ણ સુવિધાઓ યુકત છે.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ડૉ. ભાસ્કર રાવળ, ડૉ. વી. ડી. નાયક, ડૉ. અપૂર્વ દેસાઈ તેમજ વનિતા વિશ્રામ, સુરતના સેક્રેટરી શ્રી એમ. સી. દેસાઈએ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરે ગ્રંથાલય અને લેબોરેટરી વિશે મહેમાનોને માહિતગાર કર્યા હતા. રજીસ્ટ્રાર ડૉ. આર. ડી. પટેલ અને અને તમામ ફેકલ્ટીઓના ડીનએ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
વનિતા વિશ્રામ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે રૂ. ૨૫ લાખના નવા પુસ્તકોની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરે વિધ્યાર્થીનીઓને નવા ગ્રંથાલયનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી હતી તેમજ અદ્યતન અને વિશાળ ગ્રંથાલયની સુવિધા વિદ્યાર્થીનીઓને પૂરી પાડવા બદલ વનિતા વિશ્રામ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.