“હું અને મારું માસિક” જાગૃતિ સત્ર
પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન વિદ્યાશાખા, રાષ્ટ્રીય છાત્ર સેના (NCC) અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમોએ સાથે મળીને, માસિક સ્રાવના સ્વાસ્થ્ય અને માસિક સ્ત્રાવને લાગતા વિવિધ ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
આ જાગરૂકતા સત્રનું આયોજન ગુજરાત સરકારની પરિયોજના “Thinkal: Awareness Creation and Distribution of Menstrual Cups in Gujarat” અંતર્ગત, એચએલએલ લાઈફ કેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું
આ સત્રનો ઉદ્દેશ માસિક સ્રાવ વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો તેમજ પ્રતિભાગીઓને માસિક સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને માસિક કપ, ટેમ્પોન અને સેનિટરી પેડ્સ જેવા ટકાઉ માસિક ઉત્પાદનો વિશે શિક્ષિત કરવાનો હતો. એચએલએલ લાઇફકેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન્સના નિષ્ણાતોએ માસિક સ્રાવ દરમિયાન શું કાળજી લેવી અને સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખવું તેની માહિતી આપી હતી.
સત્રની ફલશ્રુતિ:
1. ગેરસમજો દૂર થઈ: આ સત્રે માસિક સ્રાવ વિશેના પ્રતિબંધો અને ગેરસમજોને તોડવામાં મદદ કરી, સહભાગીઓને વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સશક્તિકરણ કર્યું. વિદ્યાર્થીનીઓ ખુલ્લી ચર્ચામાં જોડાઈ હતી, જેના કારણે માસિક સ્રાવ અંગે તેમનામાં વૈજ્ઞાનિક સમજ વધી હતી.
2. ઉત્પાદન જાગૃતિ: પ્રતિભાગીઓએ વિવિધ માસિક ઉત્પાદનો વિશે શીખ્યા, જેમાં માસિક કપ જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોનો સમાવેશ થાય છે, જે સેનિટરી પેડના ઉપયોગને સિમિત કરી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે છે. દરેક ઉત્પાદનના ફાયદા અને યોગ્ય ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું હતું.
3. નમૂના વિતરણ: સેનિટરી પેડ્સ, અને માસિક કપ સહિત માસિક ઉત્પાદનોના મફત નમૂનાઓ વિદ્યાર્થીનીઓને વિતરિત કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનોનું અન્વેષણ કરી શકે છે.
4. પારસ્પરિક વાર્તાલાપ: વિદ્યાર્થીનીઓએ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને માસિક સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓને સ્પષ્ટ કરી.
આવા મહિતિવર્ધક સત્રનું અમલીકરણ વિજ્ઞાન વિદ્યાશાખાના અધ્યક્ષ ડૉ. મનીષા વ્યાસ, એન.સી.સી.ના સંયોજક ડૉ. તન્વી તારપરા અને એન.એસ. એસ.ના સંયોજક ડૉ. અવની શાહના સંયુકત પ્રયાસને આભારી હતું.